06 November 2010

‘ગોલમાલ –૩’ : કોમેડીની નોનસ્ટોપ આતશબાજી!




જો રોહિત શાહ નિર્દેશક ન હોત અને ‘કોમેડી સર્કસ’માં કામ કરતો હોત તો તેના આ એક્ટ માટે અર્ચના પૂરણસિંહે કહ્યું હોત, ‘આઈ વોન્ટ ટૂ ટેઇક યૂ હોમ.’

રોહિતનું આ એક્ટ એટલે ‘ગોલમાલ-૩’. રોહિત એટલે આમ તો, ૭૦ના દાયકાના વિલનોના સાઇડકિક શેટ્ટીનો દીકરો. તેની એક્શન ‘ઝમીન’ કંદહાર કાંડ પર આધારિત હતી અને તેય બની’તી તો સારી જ, પણ ખાસ ચાલી નહીં. તે પછી તેણે નવી જોનર અજમાવી અને તે એટલે ગુજરાતી નાટક (મોટા ભાગે ‘અફલાતૂન’) પર આધારિત ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’. એકએકથી ચડિયાતી કોમેડી કરનાર અભિનેતા એમાં હતા. અજય દેવગન – વાહ ક્યા બાત હૈ! તુષાર કપૂરે મૂંગા પાત્ર દ્વારા પણ ઘણું કહી નાખ્યું હતું. અર્શદ વારસીની તો અફલાતૂન કોમેડી ટાઇમિંગ હોય જ છે- યાદ છે ને પેલો સંવાદ, ‘બાવર્ચી’ કી નકલ કર કર કે કિતને લોગ ‘હીરો નં. વન’ બને હૈ? તેમાં સરપ્રાઇઝ પેકેજ હતો શરમન જોશી. સીધાસાદો યુવક પણ અંદરખાને તો ગોલમાલ કરવામાં તેના બદમાશ મિત્રોને સાથ આપે તેવી અને મૂંગા તુષાર કપૂરના ડબિંગ આર્ટિસ્ટની (શરમન જ્યારે આત્મહત્યા કરવા જતો હોય છે ત્યારે તુષાર કપૂર બોલે છે,  ‘તૂ ચલા જાયેગા તો મેરા ક્યા હોગા?’ તેની ટાપશી પૂરાવતા અર્શદ વારસી કહે છે, ‘ઔર મેરી ખામોશી – ધ મ્યુઝિકલ કી ડબિંગ કૌન કરેગા?’) ભૂમિકા તેણે બખૂબી ભજવી હતી.

‘ગોલમાલ’ની સિક્વલ ‘ગોલમાલ રિટર્ન્સ’માં શરમન જોશીની ખોટ જરૂર સાલી. (શરમનના એ ‘ગોલમાલ’ના પાત્ર લક્ષ્મણનું જ પુનરાવર્તન તમે ‘થ્રી ઇડિયટ્સ’ના રાજુ રસ્તોગીના પાત્રમાં જોઈ શકો.) એમાં અલબત્ત, શ્રેયસ તળપદે હતો, પરંતુ ફિલ્મમાં વો બાત નહીં થી. એટલે ‘ગોલમાલ -૩’ની જાહેરખબર અથવા ટ્રેલર અથવા તો આજની ભાષામાં કહો તો, પ્રોમો જોયો ત્યારે તેમાં કુણાલ ખેમુને જોઈને થયું કે ફિલ્મ જામશે નહીં. પણ દિવાળીનો સમય હતો અને ‘એક્શન રિપ્લે’ કરતાં ‘ગોલમાલ’માં મજા આવશે એમ ધારીને ‘ગોલમાલ’ પર જ જુગાર ખેલ્યો. અલબત્ત, ‘એક્શન રિપ્લે’ જોઈ નથી એટલે તેના વિશે અભિપ્રાય આપવો અઘરો છે, પરંતુ વિપુલ અમૃતલાલ શાહની ‘વક્ત- રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ હોય કે ‘સિંહ ઇઝ કિગં’, માં ખાસ મજા પડી નહોતી. એટલે અંતે ‘ગોલમાલ-૩’ પર જ મહોર મારી.

અને શું મજા પડી બોસ? સાચું કહું તો, આમ તો, સોની ટીવી પર આવતા ‘કોમેડી સર્કસ’માં આવાં કેટલાંય એક્ટ જોયા છે. પાંચ – દસ મિનિટની ટાઇટ સ્ક્રિપ્ટ હોય અને બોલિવૂડના કલાકારોથી માંડીને જજ શેખર સુમન, રોહિત શેટ્ટી, અર્ચના પૂરણસિંહ, તેમાં ભાગ લેતા કલાકારો, રાજકારણીઓ એ બધા પર પંચ કસાતા હોય છે અને તેમાં સુદેશ લહેરી, ગોવિંદાના તેના જેવા જ ટેલન્ટેડ, પરંતુ ફિલ્મમાં નહીં ચાલેલા ક્રિષ્ના, વીઆઈપી, સ્વપ્નિલ જોશી, અલી અસગર, ભારતી, પરેશ ગણાત્રા વગેરે કલાકારો તેને બખૂબી નિભાવી જતા હોય છે. અલબત્ત, તેમાં દ્વિઅર્થી સંવાદો બેશૂમાર હોય છે. એટલે કોઈને તે પસંદ ન પડે તેવું બને.
પણ ‘ગોલમાલ-૩’માં આવા પંચ જ નથી, એક્શન છે, એકાદ સીન પૂરતું ઇમોશન છે, ‘એક્શન રિપ્લે’નો દારોમદાર મુખ્યત્વે જેના પર છે (અને આજકાલની મોટાભાગની બોલિવૂડની ફિલ્મો જેના પર ચાલે છે તે) રેટ્રો એટલે કે ૭૦-૮૦ના દાયકાની વાત છે, સ્ટંટ છે અને ‘શોલે’ની જેમ બધા જ કલાકારોને પોતાનું પર્ફોમન્સ બતાવવા પૂરતી તક મળી છે અને શું ટાઇટ સ્ક્રિપ્ટ છે બોસ? ઇન્ટરવલ પહેલાંનો પહેલો ભાગ તો ક્યાં સડસડાટ હસતા હસતા પૂરો થઈ જાય છે ખબર પણ નથી પડતી.

આમ જુઓ તો, ‘ગોલમાલ-૩’ એ બસુ ચેટર્જીની ‘ખટ્ટામીઠા’ની જ રિમેક છે. પ્રીતમ (મિથુન ચક્રવર્તી)ના ત્રણ દીકરા છે – માધવ (અર્શદ વારસી), લક્ષ્મણ (કુણાલ ખેમૂ) અને લકી (તુષાર કપૂર). ફિલ્મનો ઉઘાડ જ પહેલી ‘ગોલમાલ’ના સીનની જેમ થાય છે – માધવ કોલેજમાં પેપર વેચતો હોય છે. પ્રીતમ સ્કૂલ બસ ચલાવતો હોય છે. ડેવિડ ધવનની ‘આંખે’ના ઇન્સ્પેક્ટર સદાશિવ અમરાપુરકરની જેમ, ભૂલવાની ટેવ ધરાવતો ડોન પપ્પી (જોની લિવર) તેના સાથીઓ તેજા (સંજય મિશ્રા અને વ્રજેશ હીરજી) અને દાગા (‘મિ. ઇન્ડિયા’માં મોગેમ્બોના સાથીઓના આ જ નામો હતાં.)  સાથે ગોવામાં મહારાણીનો હાર ચોરીને ભાગતો  હોય છે. (કઈ મહારાણી અને ક્યાંની -  એ નહીં પૂછવાનું). પપ્પી પોલીસથી બચવા માટે એ હાર પ્રીતમની સૂટકેસમાં છુપાવી દે છે. અને થોડી વારમાં ભૂલી જાય છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર દાંડે (મુરલી શર્મા)ને જ પોતાના સાથીઓ તેજા અને દાગા ચોર છે તેમ કહી દે છે!

માધવ, લક્ષ્મણ અને લકી બીચ પર રાઇડ માટે બોટનો ધંધો શરૂ કરે છે ત્યારે તેમનો સામનો આંગળી બતાવો તો ગુસ્સે થઈ જતા બાવડેબાજ ગોપાલ (અજય દેવગન), ટપોરીઓમાં છોકરાઓથી જરા પણ કમ નહીં અને બિન્દાસ્ત ગાળો બોલતી ડબ્બૂ (કરીના કપૂર) અને બોલવામાં શાહરુખ ખાનની જેમ, સ્ટાર્ટિંગ ટ્રબલ વાળા લક્ષ્મણ (શ્રેયસ તળપદે) સાથે થાય છે. બંને જૂથો વચ્ચે હરીફાઈ અને તેમાં એકબીજાનો ધંધો ચોપટ કરવાની તરકીબો અજમાવા સુધી વાત પહોંચે છે. છેવટે પ્રીતમ ગોપાલ, ડબ્બૂ અને લક્ષ્મણની મા ગીતા (રત્ના પાઠક) આગળ ફરિયાદ લઈને જાય છે, પણ આ શું! ગીતા તો પ્રીતમની ગુડિયા છે અને ગીતા માટે પ્રીતમ એટલે પપ્પુ! બંને વચ્ચેનો અધૂરો રહી ગયેલો પ્રેમ ફરી જાગે છે અને તેમને એક કરવાનું બીડું ઝડપે છે ડબ્બૂ. બંને લડતાં જૂથો એક થાય છે? કે પછી તેમના વચ્ચે સંઘર્ષ ચાલુ રહે છે? પેલા હારનું શું થાય છે? આ બધી વાર્તા નથી કહેતો.

ફિલ્મમાં અજય દેવગનના ભાગે ખાસ કોમેડી નથી આવી. અર્શદ વારસીનું કામ રાબેતા મુજબ સારું જ છે. શ્રેયસ તળપદે ઠીક છે. તુષાર કપૂર વિશે, લાગે છે કે જિતેન્દ્રનો આ છોકરો મૂંગા પાત્રમાં જ વધુ ખીલે છે. કુણાલ ખેમૂના ભાગે, પંચ સારા આવ્યા છે એટલે મજા પડે છે. પણ સૌથી વધુ તો ફિલ્મને ખેંચી જાય છે – કરીના કપૂર, જોની લિવર અને મિથુન ચક્રવર્તી. જોની લિવર વારંવાર ભૂલી જાય છે અને પછી બધા જુદા જુદા કલાકારોની મિમિક્રી કરીને હાસ્ય નિષ્પન્ન કરી જાય છે. મિથુને ફ્લેશબેકમાં ‘ડિસ્કો ડાન્સર’ના ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર’ ગીત પર નાચીને ફરી સાબિત કરી દીધું કે અભી ભી હમ મેં દમ હૈ. પ્રેમ ચોપરા ટૂંકા પાત્રમાં પણ જૂની ફિલ્મોના હિરોઇનના પૈસાદાર બાપની ભૂમિકા સારી નિભાવી જાય છે.

રોહિતે રેટ્રો સમયને સારી રીતે તાજો કર્યો. (ઇવન, એ સમયની ફિલ્મોમાં જે રીતનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આવતું તેવું પણ મૂક્યું છે.) એ જ રીતે સ્ટંટમાં તો માસ્ટરી છે જ, પણ સૌથી મોટી વાત, આખી ફિલ્મ નોનસ્ટોપ કોમેડી છે. ઇવન, ઇન્ટરવલ પછીના ઇમોશનલ દૃશ્યમાં પણ કોમેડી છે. (કરીના : હમ સબ ઇન્ડિયન ટીમ કે પ્લેયર્સ જૈસે લગ રહે હૈ.  અર્શદ :  ક્યા વો ભી હમ જૈસે અનાથ હૈં?)

ટૂંકમાં, દિવાળીની રજાઓમાં પણ જો તમે આ બ્લોગ વાંચતા હો તો મારી ભલામણ છે કે ‘ગોલમાલ’ જોઈ આવજો. પૈસા વસૂલ થશે તેની ગેરંટી!